આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સુરેશ હરિપ્રસાદ જોશી

ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક સ્વ. સુરેશ હરિપ્રસાદ જોશી ના ૯૮ વા જન્મદિવસ નું વિનમ્ર અભિવાદન. તેમણે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કર્યો હતો. સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૫ પછી શરૂ થયેલ ગાંધીયુગ પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય છે. ગુજરાતી વિવેચક ભરત મહેતાના કહેવા મુજબ, ૧૯૭૫થી ૨૦૦૦ સુધીનો ગુજરાતી સાહિત્યનો સમય સુરેશ જોષીના પ્રભાવ હેઠળ હતો.
નિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’(૧૯૬૫)માં સિદ્ધ કર્યું છે. કિલ્લે સોનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્યસ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા તેમ જ કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિતનિબંધ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણોની સ્થાપના કરે છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’(૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’(૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) નિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે.

ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાંંથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’(૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે ‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.
એમના ‘ગૃહપ્રવેશ’(૧૯૫૭), ‘બીજી થોડીક’(૧૯૫૮), ‘અપિ ચ’(૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’(૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’(૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. ઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક ટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘લોહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ’, ‘પદ્મા તને’ એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની કુલ એકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્વના પ્રાસ્તાવિક સાથે ‘માનીતી અણમાનીતી’(૧૯૮૨)માં આપ્યું છે. એમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’(૧૯૬૦)થી જ એક જુદા પ્રકારના વિવેચનનો ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નોને એમણે તાજગીથી છણ્યા છે; અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’(૧૯૬૨)થી તો ગુજરાતી કાવ્યભાવનમાં તદ્દન નવી દિશા ખૂલી છે. શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલેદલને ખોલતો સંવેદનશીલ ભાવકચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં સર્વોપરી બન્યો છે. ઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે.

બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા વગેરે વિશ્વસાહિત્યના મહત્ત્વના કવિઓના અનુવાદ ‘પરકીયા’(૧૯૭૫)માં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના માતબર અનુવાદો મળેલા છે. સુરેશ જોષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરુપ બનાવવાના આગ્રહી હોવાથી આ લેખો ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્ચાત્ય નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના પરિશીલને એમની રૂચિને ઘડી છે, એટલે ગુજરાતી કથાસાહિત્યને એ વિશ્વસાહિત્યના સંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથે નવલકથા અને ટૂંકી વાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here